મોહમ્મદ સ.અ.વ. કોણ છે?


બનુ ઇસરાઇલ્ માં ઝબરદસ્ત ઇખ્તેલાફ ના કારણે તેમણે પોતાની શરીઅત ને બદલી નાખી. સહીહ અકીદહ માં રદ્દોબદલ કરી નાખ્યો . જેથી કરીને હક્ક વાતો ખતમ થઇ ગઇ. અને ઝુલ્મ વ સીતમ, અત્યાચાર નો દૌર શરૂ થયો. ત્યાર બાદ ઉમ્મત ને એક એવા દીન ની ઝરૂર પડી જે હક્ક ને હક્ક અને બાતીલ ને બાતીલ કહે. અને લોકોને સીધા માર્ગ તરફ રહનુમાઇ કરે. એ વખતે રહમતે ઇલાહી ઉમ્મત પર બીજો એક એહસાન કર્યો અને મોહમ્મદ સ.અ.વ. ને નબી બનાવી ને મોકલ્યા. અલ્લાહ ફરમાવે છે “ અમે આ ગ્રથ તમારા ઉપર એટ્લા માટે અવતરિત કર્યુ છે કે તમે તે મતભેદોની સત્યતા તેમના આમે સ્પષ્ટ કરી દો જેમા તેઓ ગ્રસ્ત છે. આ ગ્રથ માર્ગદર્શન અને ક્રુપા બની ને અવતરિત થયો છે તે લોકો માટે જેઓ એને માની લે. (નહલ : 64)  

 

અનુક્રમ્ણીકા

 

નબીયો ને મોકલ્વાનો મકસદ

અલ્લાહે નબીયો ને એટ્લા માટે મોકલ્યા કે તેઓ એક અલ્લાહ ની દઅવત આપે અને લોકો ને અંધકાર માં થી રોશની તરફ ફેરવે. સૌ પ્રથમ નુહ અ.સ. અને આખરી રસુલ મોહમ્મદ સ.અ.વ.. અલ્લાહ ફરમાવે છે “ અમે દરેક સમુદાય માં રસુલ મોકલ્યા કે તેઓ લોકો ને એલ અલ્લાહ ની દઅવત આપે અને તાગુત ની બંદગી થી રોકે. (નહલ : 36)

 

આખરી નબી

નબીયો ની ક્ષુખ્લામાં છેલ્લા નબી મોહમ્મદ સ.અ.વ. છે તેમના પછી કોઇનબી કે રસુલ આવ્વા ના નથી. અલ્લાહ ફરમાવે છે “ મોહમ્મદ તમારા પુરુષોમાં થી કોઇ ના પિતા નથી પરંતુ તે અલ્લાહ ના રસુલ અને પયગમબરો ના સમાપક છે. અને અલ્લાહ ને દરેક વસ્તુ નુ જ્ઞાન છે. (અહ્ઝાબ ;40)

 

મોહમ્મદ સ.અ.વ. દરેક માટે રસુલ

દરેક નબી ખાસ તેમની કૌમ માટે જ મોકલ્વામા આવે છે. પરંતુ મોહમ્મદ સ.અ.વ. ને અલ્લાહે દરેક  લોકો માટે આમ મોકલ્યા છે. અલ્લાહ ફરમાવે છે “ અને હે પયગમબર અમે તમને સમ્રગ મનુષ્યો માટે ખુશખબર આપનાર અને સચેત કરનાર બનાવી ને મોકલ્યા છે. પરંતુ ઘણા લોકો જાણતા નથી. (સબા : 28)

 

કુર આન નુ નાઝીલ થવુ

અલ્લાહે આપ સ.અ.વ. પર કુર આન નાઝીલ કર્યુ. અને તેના ધ્વારા નબી લોકો ને અંધકાર માં થી પ્રકાશ તરફ રહનુમાઇ કરે. અલ્લાહ ફરમાવે છે “ અલિફ લામ રા . હે મોહમ્મદ આ એક ગ્રથ છે. જેને અમે તમારા પર અવતરિત કર્યુ છે. જેથી તમે લોકોને અંધકાર માંથી કાઢી પ્રકાશ તરફ લાવો. તે અલ્લાહ ના માર્ગ પર જે પ્રભુત્વશાળી અને સ્વંમ પ્રશંસાપાત્ર છે. (ઇબ્રાહીમ : 1)

 

મોહમ્મદ સ.અ.વ. ની પૈદાઇશ

મોહમ્મદ બીન અબ્દુલ્લાહ બીન અબ્દુલ મુત્તલીબ બીન હાશીમ કુરૈશી. આપ સ.અ.વ. આમુલ્ફીલ ( જે વર્ષે કાબા ને ખતમ કરવાની નિય્યત થી આવેલા લશ્કર ની તરફ નિસબત ) મક્કા માં પૈદા થયા.

 

આપ સ.અ.વ. નુ બચપન અને જવાની

આપ સ.અ.વ. હજુ માની કોખ માં જ હતા કે આપ ના પિતા નો  ઇનતેકાલ થય ગયો. આપ યતીમ ની હાલત માં પૈદા થયા. આપ સ.અ.વ. એક વખત પોતાના પિતા ની કબર ની ઝીયારત કરવા મદીના આવ્યા. ઝીયારત કરી પાછા ફરતા અબ્વાઅ નામી મુકામ પર આપ સ.અ.વ. ની માં મો પણ ઇન તેકાલ થઇ ગયો. ત્યારે આપ ની ઉમર છ વર્ષ ની હતી. તે પછી આપ ની પરવરીશ ની ઝિમ્મેદારી આપ ના દાદા એ ઉઠાવી. જ્યારે આપ ની ઉમર આઠ વર્ષ થઇ ત્યારે દાદા પણ ફૌત થઇ ગયા. ત્યાર બાદ આપ ની ઝિમ્મેદારી આપ ના કાકા અબુ તાલીબે ઉઠાવી તેમની કીફાલત માં ચાલીસ વર્ષ બીતાયા. આપ  ના કાકા આ બીક થી ઇસ્લામ કબુલ ન કર્યો કે હુ ઇસ્લામ કબુલ કરીશ તો મારા મુત્યુ પછી કુરૈશો મને આર આપશે.

 

આપ સ.અ.વ. ની શાદી

નબી નાની ઉમર માં બકરીયો ચરાયા કરતા હતા પછી ખદીજા બીંતે ખુવય્લીદ રઝી. નો માલ લઇ તીજારત કરવા શામ ગયા ત્યા ખુબ નફો કમાવી અને અમાનત થી માલ વેચી પરત થયા આપ સ.અ.વ. ની સચ્ચાઇ અને અમાનત ને જોઇ હઝરત ખદીજા રઝી. એ શાદી નો પૈગામ મોકલાયો આપે કબુલ કરી. આપે શાદી કરી, તે વખતે તેમની ઉમર 40  વર્ષ અને આપ સ.અ.વ. ની ઉમર 25 વર્ષ ની હતી . અને જ્યા સુધી હઝરતે ખદીજા રઝી. આપ ના નીકાહ માં હતી ત્યા સુધી આપ .સ.અ.વ. એ કોઇ બીજી શાદી ન કરી.

 

મોહમ્મદ સ.અ.વ. ની પરવરીશ

અલ્લાહે આપ સ.અ.વ. ની બહેતર પરવરીશ કરી અને સારા મા સારુ અદબ સીખાવ્યુ. અને તેમની તરબીયત કરી તેમને જ્ઞાન આપ્યુ. અખ્લાક ની દ્ર્ષ્ટીએ આપ સ.અ.વ. પુરી કૌમ માં બહેતર હતા. અમાનતદાર, બુરદબારી, સચ્ચાઇ, ના પૈકર હતા. કુરૈશે આપ સ.અ.વ. ને અમીન અને સાદીક નો લકબ આપ્યો હતો. તે પછી આપ સ.અ.વ. તન્હાઇ પંસદ આવ્વા લાગી તો આપ સ.અ.વ. ગારે હીરા માં જઇ ત્યાં પોતાના રબ ની  ઇબાદત કરતા હતા. અને દુઆઓ પણ કરતા હતા. બુતો ની બંદગી થી નફરત, કુટેવો થી નફરત, શરાબ, જુગાર , થી સખત નફરત કરતા હતા.

 

મોહમ્મદ અને હજરે અસ્વદ નો કિસ્સો

જ્યારે આપ સ.અ.વ. ની ઉમર 35 વર્ષ થઇ ત્યારે ભારે વરસાદ ના કારણે કાબા ની દીવારો ખુબજ કમઝોર થઇ ગઇ. કુરૈશે તેને નવે સર થી બાંધકામ કરવાનો વિચાર કર્યો. નબી પણ તેમા શરીક થયા . જ્યારે હજરે અસ્વદ મુકવાની વારી આવી તો કુરૈશો ઝઘડવા લાગ્યા, જેમા તેમણે નબી ને હાકીમ માન્યા. નબી એ એક ચાદર મંગાવી તેમા હજરે અસ્વદ ને મુકી દરેક કુરૈશ ના સરદાર ને ચાદર નો એક એક છેડો પકડ્વાનુ કહ્યુ. આપ ના ફૈસલા પર સૌ રાઝી થયા અને ઝ્ધડો પણ ખત્મ થઇ ગયો.

 

આપ સ.અ.વ. ના નબી બન્યા પહેલા અરબ ની કૌમ

અરબ કૌમ માં અમુક સારી આદતો પણ હતી જીવી કે ઇઝ્ઝ્ત કરવી, વફાદારી, બહાદુરી, અને ઇબ્રાહીમ અ.સ. ની દીન ના તરીકા પર હતા જેવા કે બયતુલ્લાહ ની તઅઝીમ, હજ્જ, ઉમરહ, કુરબાની, ઝબહ કરવુ, વગેરે.... અને અમુક કુટેવો પણ હતી જેવી કે ઝીના, શરાબ, વ્યાજ, બાળકીયોને ઝીંદહ દફન કરવી. અત્યાચાર, અને સૌ થી વધારે ખરાબ બુતો ની ઇબાદત.  દીને ઇબ્રાહીમ થી લોકોને ફેરવા અને બુતો ની ઇબાદત તરફ લોકો ને બોલાવનારો સૌ પ્રથમ શખ્સ અમર બીન લુહય હતો. જેણે મક્કામાં બુત લાવી ને લોકોને બુતો ની બંદગી તરફ દઅવત આપી. તેમાં વદ, સુવાઅ, યગુષ, મનાત, અને વાદીએ નખ્લા મા ઉઝ્ઝ્હ, વાદીએ કદીદ માં મનાત, કાબા ની અંદર હબ્લ અને કાબા ની ચારો તરફ બુત્જ બુત, લોકોએ પોતાના ઘરોમાં પણ બુત રાખ્યા હતા.

 

મોહમ્મદ સ.અ.વ. ની બઅષત

જ્યારે શીર્ક ખુલ્લે આમ થઇ ગયુ તો અલ્લાહે આખરી નબી સ.અ.વ. ને ચાલીસ વર્ષ ની ઉમર માં નબી બનાવ્યા. નબી બન્યા પછી આપ સ.અ.વ. એ લોકોને અલ્લાહ તરફ દઅવત આપી અને લોકો ને શીર્ક થી રોકવાનુ કામ અંજામ આપી રહ્યા હતા.   કુરૈશોએ આપ સ.અ.વ. ને ઝુટ્લાવ્યા અને કહેવા લાગ્યા,” શુ આણે બધા ખુદાઓ ની જગ્યાએ માત્ર એક્જ ખુદા બનાવી નાખ્યો? આ તો ખુબ વિચિત્ર વાત છે. ( સાદ: 5) તો આવી રીત્ના બુતો ની ઇબાદત કરતા રહ્યા પછી અલ્લાહે રસુલ ને તૌહીદ ને દઅવત લઇ ને મોકલ્યા. તો નબી અને સહાબ એ મળીને તે બુતો ને તોડીને ખત્મ કરી દીધા. હક્ક ગાલીબ થવા લાગ્યુ અને બાતીક ખત્મ થવા લાગ્યુ. અલ્લાહ ફરમાવે છે. “ હક્ક ગાલીબ આવ્યુ અને બાતીલ ખત્મ થવા લાગ્યુ અને બાતીલ ને તો ખત્મ થવાનુ જ હતુ. ( ઇસ્ રાઅ : 81)

 

આપ સ.અ.વ. પર સૌ પ્રથમ વહી

આપ સ.અ.વ. ગારે હીરા માં અલ્લાહ ની બંદગી માં મશ્ગુલ હતા એ સમયે એક ફરીશ્તાએ આવી ને નબી ને કહ્યુ કે પઢ આપ સ.અ.વ. એ કહ્યુ કે હું તો પઢવાનુ નથી જાણતો. તો ફરીશ્તાએ વારંવાર કહ્યુ અને પછી આ વહી નાઝીલ થઇ. અલ્લાહ ફરમાવે છે. “ પઢો એ પયગમબર !  પોતાના રબ ના નામ થી જેણે સર્જન કર્યુ. થીજેલા લોહીના એક લોચાથી મનુષ્ય નુ સર્જન કર્યુ. પઢો અને તમારો રબ અંત્યત ઉદાર છે, જેણે કલમ વડે જ્ઞાન શીખવાડ્યુ. મનુષ્યને તે જ્ઞાન આપ્યુ જે તે જાણ્તો ન હતો. ( અલક : 1-5) આ વહી લઇ ને જ્યારે આપ સ.અ.વ. પાછા ફરયા તો આપ નુ જીસ્મ કપકપાતુ હતુ.બીવી ખદીજા પાસે આવીને કિસ્સો સંભળાવ્યો. અને કેહેવા લાગ્યા કે મને તો મારી જાન જવાની બીક લાગે છે. તો પ્યારી બીવી તેમને દીલાસો આપી ને કહેવા લાગી. અલ્લાહ ની કસમ અલ્લાહ આપને કયારે પણ  ઝલિલ નહી કરે કારણ્કે તમે તો રિસ્તેદારો નો ખ્યાલ રાખો છો. સાચ્ચીવાત કહો છો. તમે કમઝોર અને લાચાર નો બોઝ ઉઠાવો છો. ફકિરો ની મદદ, અને મહેમાનો ની મહેમાન નવાઝી કરો છો. અને બીવી આપ સ.અ.વ. ને વરકા બીન નૌફીલ પાસે લઇ ને આવી જે નસરાની હતા જ્યારે વરકાએ આ કિસ્સો સાંભળ્યો તો તેણે નબીને ખુશખબરી આપતા કહ્યુ કે આ તો તે જ ફરીશ્તો છે જે મુસા પાસે આવતો હતો. અને નબી ને નસીહત કરી કે જ્યારે તમારી કૌમ તમને તકલીફ આપે અને તમાને તમારા શેહેર માં થી નીકાળે ત્યારે તમારે સબર કરવો.

 

બીજીવાર વહી આવ્વી

પહેલી વહી આવ્યા પછી થોડાક સમય માટે વહી આવ્વાનુ બંધ થઇ ગયુ આપ સ.અ.વ. નિરાશ થઇ ગયા. એક દીવસ આપ સ.અ.વ. ચાલી રહ્યા હતા કે અચાનક આસ્માન અને ધરતી ની વચ્ચે એક ફરીશ્તા ને આપ સ.અ.વ. જોયો. તો ઘરે જઇ ફરી ચાદર ઓઢી લીધી ત્યારે આ આયતો નાઝીલ થઇ. “ હે ઓઢીલપેટી ને આરામ કરનારા! ઉઠો અને સચેત કરો. અને પોતાના રબ ની મહાનતાની ઘોષણા કરો, અને પોતાના કપડા સાફ રાખો, અને ગંદકી થી દુર રહો, અને ઉપ્કાર ન કરો વધુ પ્રાપ્ત કરવા માટે. ( મુદ્દ્સ્સિર: 1-6 ) તે પછી બરાબર વહી આવતી રહી.

 

આપ સ.અ.વ. મક્કામાં શાંત દઅવત ત્રણ વર્ષ શુધી આપતા રહ્યા પછી આપ સ.અ.વ. તરફ ખુલ્લી દઅવત નો આદેશ આપ્યો. તો નબી સ.અ.વ. એ હિકમત અને પ્યાર થી લઢ્યા વગર આપ ની દઅવત શરૂ કરી દીધી. અને સૌ પ્રથમ આપે રીશ્તેદારો ને , પછી તેમની આસપાસ લોકો ને .પછી અરબ ને અને પછી દુનીયા ના લોકો ને દઅવત આપવાની શરૂ કરી દીધી. અલ્લાહ ફરમાવે છે “ પછી હે નબી જે વસ્તુનો તમને આદેશ આપ્વામાં આવ્યો છે તેને છડેચોક કહી દો. અને મુશરીકો ની સહેજ પણ પરવા ન કરો. ( હીજર: 94)

 

મોહમ્મદ અને મુસલ્માનો પર આઝમાઇશ 

આપ સ.અ.વ. પર ઇમાન લાવ્વા વાળાઓ માં કમઝોર , લાચાર , ગરીબ , અને થોડાક જ મર્દ અને ઓરતો શામીલ હતી. આ બધાને દીને ઇસ્લામ ના લીધે તકલીફ આપવામાં આવી અને એમાં થી તો કેટલાક લોકો ને તો કતલ પણ કરી દીધા.  અને થોડાકે આ તકલીફો થી બચવા હબશ્હ તરફ હીજરત્ કરી . અને આપ સ.અ.વ. ને પણ તકલીફ આપવામાં આવી.

 

ગમ નુ વર્ષ અને તાઇફ નો સફર

જ્યારે નબી ની ઉમર પચ્ચાસ વર્ષ ની થઇ અને નુબુવ્વત ના 10 વર્ષ પુરા થયા તો આપ સ.અ.વ. ના કાકા અબુ તાલીબ જે હમેંશા આપ ને સાથ આપતા હતા અને કુરૈશ ના બચાવ માં હમેશા ઉભા રહેતા. તે દુનીયા થી રૂખ્સત થયા. અને પછી આપ સ.અ.વ. ની બીબી ખદીજા રઝી, તે પણ તે જ વર્ષે આ દુનીયા થી  રૂખસત થઇ . અને નબી પર તકલીફો નો પહાડ તુટી પડયો. અને કુરૈશ ની તકલીફો વધી ગઇ. જ્યારે અબુ તાલીબ હતા ત્યારે કુરૈશ આપ સ.અ.વ. ને કઇ પણ નહતા કરી શ્કતા. પરંતુ હવે તો અબુ તાલીબ ની જુદાઇ પછી તો કુરૈશ ની તકલીફો વધતી ગઇ અને આપ સ.અ.વ. એ તાઇફ તરફ સફર કરવો પડયો. અને ત્યા લોકો ને દઅવતે તૌહીદ આપતા રહ્યા પણ ત્યા પણ લોકોએ આપ્ની દઅવત કબુલ ન કરી અને ઉપર થી આપ સ.અ.વ. પર પથ્થરો ફેંકવા લાગ્યા અને ઘ્ણી તકલીફો આપી . અહીં સુધી કે આપ સ.અ.વ. લહુલહાન થઇ ગયા. ત્યાર બાદ આપ સ.અ.વ. મક્કા પરત ફરી હજ્જ ના મોસમ માં લોકો ને દઅવત આપતા રહ્યા.

 

આપ સ.અ.વ. નો મેઅરાજ પર સફર

આપ સ.અ.વ. ને અલ્લાહે મસ્જિદે હરામ થી લઇને મસ્જિદે અક્સા સુધી બુર્રાક સવારી પર હઝરતે જીબ્રઇલ ની સાથે મેઅરાજ કરાવી. ત્યાં નબી એ નબીયો ની ઇમામત કરી નમાઝ પઢાવી પછી ત્યા થી આસ્માને દુનીયા પર હઝરતે આદમ અ.સ. અને તેમની જમણી બાઝુ સારા અને નૈક લોકોની રૂહો અને ડાબી બાઝુ ખરાબ અને ફાસીક લોકોની રૂહો હતી. પછી બીજા આસ્માન પર ઇસા અ.સ. અને યહ્યા અ.સ ત્રીજા આસ્માન પર યુસુફ અ.સ. ચોથા આસ્માન પર ઇદરીસ અ.સ. પાંચવા પર હારૂન અ.સ. છ્ઠ્ઠા પર મુસા અ.સ. અને સાત્વા પર ઇબ્રાહીમ અ.સ. ને જોયા. પછી આપ્ને સીદરતુ અલ મુનતહા સુધી લઇ ગયા અને ત્યાર પછી આપ સ.અ.વ. સાથે રબે કલામ કરી અને 50 નમાઝો ભેટ લઇ ને આવ્યા પરંતુ તેને ઓછી કરાવતા કરાવતા 5 ટાઇમ ની નમાઝ ફર્ઝ થઇ પરતુ તેનો ષવાબ તો 50 ટાઇમ ની નમાઝ પઢવા બરાબર નો આપ્યો. અને નબી સવાર થયા પહેલા જ પાછા આવ્યા. સવારે જે કઇ રાત્રે થયુ તેના વિશે કિસ્સો બયાન કર્યો મોમીનો એ આપ સ.અ.વ. ની વાત માની અને કાફીરો એ ઇન કાર કર્યો. આ મેઅરાજ તરફ ઇશારો કરતા અલ્લાહ ફરમાવે છે, “ પવિત્ર છે તે જે  લઇ ગયો એક રાત્રે પોતાના બંદાને મસ્જિદે હરામ થી દુર ની એક મસ્જિદ સુધી. જેના માહોલ ને તેણે બરકત આપી છે. જેથી તેને પોતાની કેટ્લીક નિશાનીયો દેખાડે. હકીકત માં તેજ છે બધુ સાભંવાવાળો અને જોનારો. ( ઇસરાઅ: 10 )

 

મદીના માં ઇસ્લામ ની દઅવત

અલ્લાહે એવા લોકો ને પોતાના દીન માટે ચુનિ લીધા કે જે લોકો ખરેખર આ દીન નુ કામ કરી શકે. મૌસમે હજ્જ માં આપ સ.અ.વ. મદીના શહેર ના ખઝરજ ખાનદાન ના લોકો સાથે આપ ની મુલાકાત થઇ. તે લોકો ઇસ્લામ લાવ્યા અને પછી મદીના માં જઇ ઇસ્લામ ની દઅવત શરૂઅ કરી દીધી. બીજા વર્ષે દસ કરતા વધુ લોકો હજ્જ કરવા આયા અને પાછા જતી વખતે આપ સ.અ.વ. એ હઝરતે મુસઅબ રઝી. ને મોકલ્યા અને તેમને આદેશ આપ્યો કે ત્યા જઇ કુર આન મજીદ ની શિક્ષણ લોકો ને આપે. અને તેમને દીન પણ શીખવાડે. સહાબી એ રસુલ એ ત્યા જઇ ખુબજ મહેનત કરી અને તેમના હાથ પર ઘણા લોકોએ ઇસ્લામ કબુલ કર્યો. એમાં થી કબીલાએ ઔસ ના સરદાર હઝરતે સઅદ બીન મઆઝ, અને ઉસૈદ બીન હુઝૈર રઝી. શામીલ છે. ત્યાર બાદ હજ્જ ના મૌસમ મા 70 થી વધુ લોકો હજ્જ માટે આવ્યા અને તેમણે આપ સ.અ.વ. ને હીજરત કરવાની દઅવત આપી. કારણ્કે તે લોકો જાણતા હતા કે આપ સ.અ.વ. નો બાઇકાટ કરવામાં આવ્યો છે. આપ સ.અ.વ. એ તે લોકો ને હજ્જ ના ત્રણ ખાવા પીવાના દીવસો મા ઉક્બા નામી જગ્યા પર મળવાનો વાયદો કર્યો. વાયદા મુજબ આપ સ.અ.વ. રાત્રે ત્યા પહોચી ગયા અને તેમની સાથે તેમના કાકા હઝરતે અબ્બાસ રઝી, હતા. જે તે વખતે મુસલમાન નહતા. એટ્લા માટે કે તેમના કાકા આપ સ.અ.વ. નો સાથ આપવા માંગતા હતા. આપસ માં સારી વાતો થઇ ત્યાર બાદ નબી ના હાથ પર બયઅત કરવામાં આવી આ વાત પર કે અગર નબી હીજરત કરે તો તેમની મદદ કરવામાં આવશે. અને આના બદલામાં તમને જન્નત મળ્શે. દરેક આપ સ.અ.વ. ની આ વાત ને માની અને બયઅત કરી. આ વાત ની ખબર કુરૈશ જાણી ગયા અને તેઓએ સખત પકડવાની કોશીશ કરી પર અલ્લાહે પોતાના નબી ની મદદ કરી. અલ્લાહ ફરમાવે છે. “ અલ્લાહ અવશ્ય તે લોકો ની મદદ કરશે જેઓ તેની મદદ કરશે, અલ્લાહ અત્યંત શકિત્શાળી અને પ્રભુત્વશાળી છે. ( હજ્જ : 40)

 

મદીના તરફ હીજરત

આપ સ.અ.વ. એ સહાબા ને મદીના તરફ હીજરત કરવાનો આદેશ આપયો. સહાબા એ હીજરત કરી એમાં થી થોડાક ને મક્કા વાળાએ રોકી લીધા. અને મક્કા માં આપ સ.અ.વ. અલી રઝી. અને અબુબકર રઝી. રહ્યા હતા. જ્યારે મક્કા વાળાએ જાણ્યુ કે હવે આ લોકો ધીરે ધીરે મક્કા છોડીને જઇ રહ્યા છે તો તેમને ડર લાગ્વા લાગ્યો કે હવે મોહમ્મદ પણ હીજરત કરશે તેઓએ આપ સ.અ.વ. ને કતલ કરવાની શાઝીશ રચી. અલ્લાહે પણ પોતાના નબી ને આમના નાપાક ઇરાદા થી આગાહ કરી દીધા. તો આપ સ.અ.વ એ હઝરતે અલી રઝી. ને પોતાના બિસ્તર પર સુવાડયા અને તેમને હુકમ આપ્યો કે મકકા વાળાની અમાનતો જે  આપ સ.અ.વ. પાસે હતી તેમને આપી ફરી તમે હીજરત કરજો. આપ સ.અ.વ. ના ઘર ની બહાર મક્કા ના અવબાશો નો પહેરો હતો પણ આપ સ.અ.વ. તેમની વચ્ચે થી નીકળી ગયા આ અલ્લાહ ની મદદ હતી. અબુબકર પાસે ગયા અને તેમને પણ આપ ની સાથી હીજરત કરવાનો શરફ મળ્યો. અલ્લાહ ફરમાવે છે. “ તે સમય પણ યાદ કરવાને યોગ્ય છે જ્યારે સત્ય ના ઇનકાર કરનારાઓ ઓએ તારા વિરૂધ્ધ યુકિતઓ ધડી રહ્યા હતા કે તને કૈદ કરીલે કે તને કતલ કરી દે અથવા દેશ નિકાલ કરી નાખે. તેઓ પોતાની ચાલ ચાલી રહ્યા હતા અને અલ્લાહ પોતાની ચાલ ચાલી રહ્યો હતો.અને અલ્લાહ સર્વક્ષેષ્ઠ ચાલ ચલનાર છે. ( અનફાલ : 30) ત્યાર પછી નબી અને અબુબકરે હીજરત ની શરૂઆત કરી સૌ પ્રથમ તો તેઓ ત્રણ દીવસ તો ષૌર નામી ગુફામાં રહ્યા.રાસ્તો બતાડવા માટે અબ્દુલ્લાહ બીન અબી ઉરૈકિત જે તે વખતે મુશરીક હતા તેમને નક્કી કરયા. અહીયા કુરૈશીયો માં હલબલ મચી ગઇ અને તેઓ કહેવા લાગ્યા કે આ શુ? તેઓ આપ સ.અ.વ. ને તલાશ કરવા લાગ્યા પણ અલ્લાહે આપની હીફાઝત ફરામવી. જ્યારે કુરૈશીયો આપ ની તલાશ કરવામાં નાકામ રહીયા તો તેમણે ઇનામ ની ઝાહેરાત કરી. કે જે પણ આ બન્ને અથવા તો એક ને  ને પકડી લાવશે 200 ઉંટ આપવામાં આવશે. આ ઇનામ સાભંળીને મક્કા ના લોકો આપ સ.અ.વ. ને શોધવા નીકળી ગયા. સુરાકા બીન માલીક  જે મુશરીક હતો આપ સ.અ.વ. ની પાસે પહોંચી ગયો. જ્યારે તેણે આપ સ.અ.વ. ને પકડવાની કોશીશ કરી તો અલ્લાહ ના રસુલે અલ્લાહ થી દુઆ કરી અને સુરાકા નો ઘોડો ઝમીન માં ઘુંટણ સુધી ફસાઇ ગયો. અને તેણે જાણી લીધુ કે આમને પકડી નથી સકતા. તેણે નબી થી દુઆ ની દરખાસ્ત કરી અને કહ્યુ કે હું તમને કોઇ નુકસાન નહી પહોંચાડુ. આપ સ.અ.વ. એ દુઆ કરી આપ ની દુઆ કબુલ કરવામાં આવી સુરાકા પાછો ફરીને લોકોને રોકવા લાગ્યો. સુરાકા બીન માલીક ફતહ મક્કા પછી મુસલમાન થયા.

 

મોહમ્મદ સ.અ.વ. નુ મદીનામાં આગમન

નબી સ.અ.વ. ની મદીનામાં તશરીફ આવરી થી મુસલમાન ઘણા ખુશ થયા. તમણે નઅરા લગાવા લાગ્યા. અને ઔરતો અને બાળકોએ આપ સ.અ.વ. નો ખુશી ખુશી આગમન કર્યુ. કુબા માં કીયામ કર્યો અને ત્યા રહીને મુસલમાનો સાથે મળીને મસ્જિદે કુબા ની તઅમીર કરી. ત્યા આપ સ.અ.વ. 10 દીવસ રહ્યા પછી ત્યાથી મદીના તરફ રૂખ કર્યો અને જુમઅ ની નમાઝ બનેસાલિમ માં પઢાવી. ઉંટ પર સવાર થઇ મદીના માં દાખલ થયા તો લોકોએ આપ ને ઘેરી લીધા અને લોકો ની ખ્વાહિશ હતી કે નબી તેમની ઘરે રુકે. અલ્લાહ ના રસુલ દરેક ને કહેતા ગયા કે ઉંટ ને છોડી દો. હાલ માં જ્યા મસ્જિદે નબવી છે ત્યા ઉંટ બી બેસી ગઇ. અલ્લાહ ના હુકમ થી આપ સ.અ.વ. અબુ અય્યુબ અનસારી  ના ઘરે રોકાયા.ફરી આપ સ.અ.વ એ પોતાના ઘર વાળાઓ અને અબુબકર ના ઘરવાળાઓ ને મક્કા થી લાવ્વા માટે સહાબા ને રવાના કર્યા.

 

મસ્જિદે નબવી ની તઅમીર

આપ સ.અ.વ. જ્યા ઉંટ્ની બેઠી હતી ત્યાં મસ્જિદ નબવી બનાવ્વાનો ફેસલો કર્યો. મસ્જિદ માં કીબલો બયતુલ મકદીસ તરફ રાખ્યો. ખજુર ના પાંદ્ડા ના સુતુન અને તેની ડાળકીયો થી છ્ત બનાવી. થોડાક સમય પછી કીબ્લા નો રૂખ બદલવાનો આદેશ આવ્યો કીબલો બયતુલ્લાહ તરફ કરવામાં આવ્યો.

 

અન સાર અને મુહાજરીન ના વચ્ચે ભાઇચારો

આપ સ.અ.વ. એ અન સાર અને મુહાજરીન વચ્ચે ભાઇચારો કાયમ કર્યો. જેને આપ્ણે મુઆખાતે મદીના ના નામ થી મશહુર છે. આપ સ.અ.વ. એ યહુદીઓ સાથે મુસાલહત કરી. જેમાં યહુદી અને મુસલમાન વચ્ચે સમાધાન અને મદીના પર આવનારી મુસીબતો ને બન્ને મળીને દુર કરીશુ આ વાત પર મુસાલહત થઇ. યહુદીઓ ના આલીમ અબ્દુલ્લાહ બીન સલામ રઝી. મુસલમાન બની ગયા. પરંતુ તેમની કૌમે ઇસ્લામ લાવવાથી ઇન કાર કરી દીધો. એ જ વર્ષ્ મા આપ સ.અ.વ. એ હઝરતે આયશા સાથે શાદી કરી. હીજરત ના બીજ વર્ષે અઝાન નો આદેશ આવયો. અલ્લાહે બયતુલ્લાહ ને કીબલો બનાવ્યો અને રમઝાન ના રોઝહ ફર્ઝ કર્યા. જ્યારે મદીના ના માહોલ માં સુધાર આવ્યો અને મુસલમાનો ના પગ મદીના માં જામી ગયા, અન સાર અને મુહાજરીન ના વચ્ચે ભાઇચારો અતુટ થઇ ગયો અને અલ્લાહ ની મદદ આવી . ત્યાર પછી ઇસ્લામ ના દુશ્મનો આપ સ.અ.વ. અને સહાબા ને તકલીફ પહોંચાડવા લાગ્યા. જંગ કરવા માટે ઉભારતા. પર્‍તુ અલ્લાહે આપ્ને સબર કરવાનો આદેશ આપયો. જ્યારે દુશ્મનો ની તકલીફો વધી ગઇ ત્યારે અલ્લાહે જેહાદ કરવાનો આદેશ આપયો. અલ્લાહ ફરમાવે છે. “ પરવાનગી આપી દેવામાં આવી તે લોકોને જેમના વિરૂધ્ધ યુધ્ધ કરવામાં આવી રહ્યુ છે. કરણકે તેઓ મઝલુમ છે, અને અલ્લાહ ચોક્કસ તેમની મદદ કરવાનું સામર્થ્ય ધરાવે છે. ( હજ્જ: 39)

 

અલ્લાહ ના રસ્તામાં ઝેહાદ કરવાની ફઝીલત

અલ્લાહે મુસલમાનો પર ઝીહાદ ફર્ઝ કરી દીધુ એ લોકો જોડે જે લોકો લડાઇ કરવા માંગતા હોય. અલ્લાહ ફરમાવે છે. “ તમે તે લોકો સાથે અલ્લાહ ના માર્ગ માં લડો, જેઓ તમારા સાથે લડે છે, પરંતુ અતિરેક ન કરો, કેમ કે અલ્લાહ અતિરેક કરનારો ને પસંદ કરતો નથી. ( બકરહ : 190 ) પછી અલ્લાહે મુશ્રિકો સાથે જંગ ફર્ઝ કરી અલ્લાહ ફરમાવે છે. “ તમે સૌ મુશરિકો સાથે ભેગા મળીને લડો જેવી રીતે તેઓ સૌ ભેગા મળીને તમારી સાથે લડે છે. અને જાણી લો કે અલ્લાહ ડરવાવાળા લોકોનો જ સાથ આપે છે. ( તૌબા : 36) આ આદેશ પછી આપ સ.અ.વ. અને સહાબા રઝી. સાથે મળીને ઝુલ્મ અને અત્યાચાર વિરૂધ્ધ ઉભા થયા અને તેમને ખત્મ કરવા લાગ્યા. અલ્લાહે તેમની મદદ કરી અને આ મદદ થી તેઓ કામયાબ થઇ ગયા.

 

આપ સ.અ.વ. ના ગઝવાત (જંગો)

જંગે બદર

નબી એ રમઝાન 2 હીજરી એ બદર ના મૈદાન માં મુશરીકો સાથે જંગ કરી. અલ્લાહે આપ ની મદદ કરી અને મુશરીકો ની કમર તોડી નાખી. એવી જ રીતે 3 હીજરી માં પણ બ્નુ કૈનુકાઅ ના યહુદી એ ગદ્દારી કરતા એક મુસલમાન નુ કતલ કરી નાખ્યુ. તો નબી એ તેમને મદીના થી શામ તરફ શહરબદર કરી દીધા.

 

જંગે ઉહદ

બદર ના મૈદાન માં હાર્યા પછી કુરૈશ તેમના લોકોનો બદલો લેવા માટે 3 હીજરી શવ્વાલ મહીના માં મૈદાને ઉહદ માં લડાઇ કરી. લડાઇ ની વચ્ચે આપ સ.અ.વ. ના દાંત મુબારક શહીદ થયા થોડીક વાર તો એવુ લાગ્યુ કે મુસલમાન આ જંગ હારી ચુકયા છે. પરંતુ અલ્લાહે આપ ની મદદ કરી.

 

બનુ નઝીર ની ગદ્દારી

બનુ નઝીરે પણ આપ સ.અ.વ. ની સાથે ગદ્દારી કરી અને એ લોકોએ આપ સ.અ.વ. ને મારવાની કોશીશ કરી. આપ પર એક મોટો પથ્થર ગીરાવી આપ ની ખત્મ કરવાની નાપાક શાઝીશ રચી. અલ્લાહે આપ ની હિફાઝત ફરમાવી પછી આપ સ.અ.વ. એ તેમને ઘેરી ખૈબર તરફ શહર બદર કરી દીધા.

 

બનુ મુસ્તલિક ની જંગ

5 હીજરી માં બનુ મુસ્તલિક ની દુશ્મની ખત્મ કરવા માટે તેમના પર ચઢાઇ કરી અલ્લાહે આપ ની મદદ કરી. તેમના માલ ને ગનીમત અને તેમના કૈદીયો ને ગુલામ બનાવી દેવામાં આવ્યા.

 

અહઝાબ ની જંગ

ફરી યહુદીઓ એ મુસલમાનો ના ખીલાફ ઘણા આસપાસ ના કબીલાઓ  ને  ભેગા કરી ઉકસાયા કે ઇસ્લામ ને એના ઘર આંગળે જ ખત્મ કરી નાખ્યે આ હે તુ થી મદીના આસપાસ મુશરિક, હબશી, અને ગતફાન ના લોકો ભેગા થયા. તો અલ્લાહે આની ખબર પણ રસુલ ની આપી દીધી અને આપ ની મદદ કરી આ વિશે અલ્લાહ ફરમાવે છે. “ અલ્લાહે કાફિરો ના મોઢાં ફેરવી દીધા, તેઓ કોઇ પણ લાભ પ્રાપ્ત કર્યા વિનાજ પોતાના દિલ માં બળતરા લઇ ને આમ જ પાછા ફર્યા અને ઇમાન વાળા તરફ થી અલ્લાહ જ લડવા માટે પુરતો થઇ ગયો. અલ્લાહ ખુબ શકિતશાળી અને પ્રભુત્વશાળી છે. ( અહઝાબ : 25)

 

બનુ કુરૈઝહ ની જંગ

આ લોકો એ પણ આપ સ.અ.વ. સાથે ગદ્દારી કરી અને અલ્લાહે આપ ની મદદ કરી અને તેમના મર્દો ને કતલ, માલ ને ગનીમત અને ઔરતો ને ગુલામ બનાવી દીધા.

 

સુલેહ હુદૈબીયહ

6 હીજરી માં આપ સ.અ.વ. એ બયતુલ્લાહ શરીફ ની ઝીયારત નો ઇરાદો કર્યો. પરંતુ મુશરીકોએ આપ ને રોકી લીધા અને ત્યા 10 વર્ષ સુધી લડાઇ ન કરવા પર સુલેહ થયુ. એમાં લોકોને અમન હાસીલ થાય. અને જે પસંદ હોય તે મઝહબ ઇખ્તિયાર કરે જેથી લોકો ના જુથ ઇસ્લામ માં દાખિલ થવા લાગ્યા.

 

ખૈબર ની લડાઇ

7 હીજરી માં નબીએ ખૈબર પર ચઢાઇ કરી યહુદીઓ ને નિસ્ત વ નાબુદ કરવાના મકસદ થી. એ લોકોએ મુસલમાનોને ખુબ તકલીફ આપી હતી. તેમને પર ઘેરી લીધા અને માલ વ દૌલત ને ગનીમત બનાવી. ત્યાર બાદ આપ સ.અ.વ. એ બાદશાહો ના નામ ખત લખી તેમને પણ ઇસ્લામ ની દઅવત આપી.

 

મુતા ની જંગ

8 હીજરી માં આપ સ.અ.વ. એ હઝરતે ઝૈદ બીન હારીષા ની કીયદત માં એક લશ્કર રવાના કર્યુ.  રોમીઓ એ મોટુ લશકર ભેગુ કરી મુસલમાનોના મોટા મોટા સરદાર ને શહીદ કરી નાખ્યા. બાકી મુસલમાનોની અલ્લાહે હિફાઝત કરી.

 

ફતહ મક્કા

ત્યાર બાદ મુશરીકોએ મુઆહદહ, સુલહ નો ભંગ કર્યો તો અલ્લાહ ના રસુલ એક મોટુ લશકર લઇ મક્કા રવાના થયા. મક્કા ફતહ થયુ અને બયતુલ્લાહ ને બુતો થી પાક સાફ કરી નાખ્યુ.  

 

હુનૈન ની જંગ

8 હીજરી માં ષકીફ અને હવાઝીન ને સબલ શીખાડવા માટે હુનૈન તરફ રવાના થયા ત્યા પણ અલ્લાહે આપ ની મદદ કરી અને ઘણો માલ ગનીમત માં હાસીલ થયો .  ફરી ત્યાં થી આપ સ.અ.વ. તાઇફ ગયા પણ ત્યા જીત ન મળી પરંતુ આપ સ.અ.વ એ દુઆ કરી આગળ તેમની નસ્લ એ ઇસ્લામ કબુલ કર્યો. ત્યાં આપ સ.અ.વ. એ માલ ની તકસીમ કરી અને મક્કા આવી ઉમરહ કરી આપ પાછા મદીના આવ્યા.

 

તબુક ની જંગ

9 હીજરી માં આપ સ.અ.વ. સખત ગરમી ના મૌસમ માં અને તંગ દસ્તી ની હાલત માં આ જંગ પેશ આવી આપ સ.અ.વ. દુશમનો ને ખત્મ કરવા તબુક રવાના થયા ત્યા કોઇ પણ જાત ની લડાઇ ન થઇ અમુક કબીલાઓ સાથે મુસાલહત થઇ અને માલે ગનીમત લઇ પરત ફર્યા.  એ રીતે આ જંગ આપ સ.અ.વ. ની છેલ્લી જંગ હતી જેમાં આપ સ.અ.વ. ખુદ હાજર હતા.

 

ટોળે

ટોળા ઇસ્લામ માં દાખલ થવા લાગ્યા: 9 હીજરી માં જ લોકોના ટોળે ટોળા ઇસ્લામ માં દાખલ થવા લાગ્યા. જેમાંથી, બનુ તમીમ, તૈઅ , વફદે અબ્દુલ કૈસ , અને બનુ હનીફા પણ શામીલ છે.

 

અબુબકર રઝી નો હજ્જ

એ જ વર્ષે આપ સ.અ.વ. એ હઝરતે અબુબકર રઝી. ને એક જમાઅત ના અમીર બનાવી હજ માટે રવાના કર્યા. તેમની સાથે હઝરતે અલી રઝી. પણ હતા. અને સુરે બરાઅત ની તિલાવત કરે હઝરતે અલી રઝી. નહર ના દીવસે ઉભા થઇ કહ્યુ કે લોકો “ કોઇ કાફીર જન્નત માં દાખલ નહી થાય અને  કોઇ મુશરીક હજ્જ માટે નથી આવી સકતો . અને નંગ બદને તવાફ નહી કરવામાં આવે. અને જે કોઇ નો સુલહ નબી સાથે છે તેઓ ત્યા સુધી સુલહ રાખે.

 

હજ્જ્તુ અલ વદાઅ

10 હીજરી આપ સ.અ.વ. એ હજ્જ કરવાનો ઇરાદો કર્યો. અને લોકો માં પણ ઐલાન કરવામાં આવ્યુ તો એક ખાસી જમાઅત આપ સ.અ.વ. ની સાથે હજ્જ માટે નીકળી. આપ સ.અ.વ. એ ઝીલ્હલીફ જગ્યાએ એહરામ બાંધ્યું અને ઝીલ હજ્જ્ ના મહીના માં આપ સ.અ.વ. મક્ક પહોચીને લોકો ને હજ્જ ના મનાસીક શીખવાડયા. તવાફ , સૈઇ વગેરે.... અને અરફાત માં  એક ઝબરદસ્ત તકરીર  કરી જેમા ઇસ્લામ ના અહકામ મુકર્રર કરતા ફરમાવ્યુ. ‘ લોકો સાભંળો હુ નથી જાણતો કે આવતા વર્ષે હુ તમારી સાથે હોઇશ કે નહી. લોકો તમારા માલ , ઇઝ્ઝ્ત, અને ખુન એવી જ રીતના હરામ છે, જેવી રીતના કે આજ નો આ દીવસ, મહીનો, અને આ શહેર , હરામ છે. ખબરદાર જાહીલયત ના બધાજ કામ મારા કદમ ના નીચે છે. અને પહેલુ કતલ પણ મઆફ કરવા માં આવે છે જે ઇબ્ને રબીઆ બીન હારીષ નુ કતલ છે. જેણે બનુ સઅદ માં દુધ પીધુ હતુ. તેને હુઝૈલે કતલ કર્યુ હતુ હુ તેને મઆફ કરુ છુ. અને ઝાહીલયત નુ સુદ પણ ખત્મ, અને સૌ પ્રથમ સુદ ખત્મ કરુ છુ તે અબ્બાસ બીન અબ્દુલ મુત્તલિબ નુ છે. તમે ઔરતો વિશે અલ્લાહ થી ડરીને રહેજો. એટ્લા માટે કે તમે એમને અલ્લાહ ના અમાન માં થી હાસીલ કરી છે. અને અલ્લાહ ના કલેમા થી તેમની શરમાગાહો ને હલાલ કરી છે. અને ઔરતો પર તમારો હક્ક આ છે કે તો તમારી નાફરમાની ન કરે. અને જો તેઓ નાફરમાની કરે તો તેમને હલકી માર મારો. અને તમારા પર તેમની ખાવા- પીવાની, રહેઠાણ ની, કપડા ની  ઝિમ્મેદારી છે. અને હુ તમારી દરમિયાન બે વસ્તુ છોડીને જઇ રહ્યો છું. જો તમે તેને મઝ્બુતિ થી પકડશો તો તમે કદી પણ ગુમરાહ નહી થાવ. એક કુર આન અને મારી હદીષ.અને તમારા થી મારા વિશે સવાલ કરવામાં આવશે તો તમે શુ કહેશો? સહાબા એ જવાબ આપ્યો “ અમે ગવાહી આપ્યે છીએ કે તમે અમારી પાસે પહોંચાદ્યુ. અને તબલીગ કરી અને તેનો હક્ક પણ પુરો કરી દીધો અને નસીહત પણ કરી. આપ સ.અ.વ. એ આસ્માન તરફ આંગળી ઉઠાવી અને કહેવા લાગ્યા કે અય અલ્લાહ તુ ગવાહ રહ્જે. અય અલ્લાહ તુ ગવાહ રહેજે.

 

અને અલ્લાહે દીને ઇસ્લામ ને મુકમ્મલ કરી દીધો તો અરફાત માં જ આ આયત પણ નાઝીલ થઇ. “ તમારા માટે ઇસ્લામ ને તમારા દિન તરીકે પસંદ કરી લીધો છે. માઇદહ 3 આ હજ ને હજ્જ્તુ અલ વીદાઅ કહેવામાં આવે છે. આના પછી આપ સ.અ.વ. એ હજ્જ ન કરી સક્યા.

 

આપ સ.અ.વ. ના છેલ્લા દિવસો

11 હીજરી સફર ના મહીના માં આપ સ.અ.વ. બીમાર પડયા. જ્યારે બીમારી વધતી ગઇ ત્યારે આપ સ.અ.વ. એ અબુ બકર ને હુકમ આપ્યો કે તેઓ લોકો ને નમાઝ પઢાવે. અને રબીઉલ અવ્વલ માં વધારે બીમાર પડયા અને બીમારી ની હાલત માં આપ સ.અ.વ. 12 રબીઉલ અવ્વલ સોમવાર ના દિવસે સવાર મા આ ફાની દુનીયા થી કુચ કરી ગયા. મુસલમાનો ને ખુબજ તકલીફ પહોંચી. મગંળવાર ની રાત્રે ગુસ્લ આપવામાં આવ્યુ લોકોએ નમાઝે ઝનાઝા પઢી અને હઝરતે આયશા રઝી. ના કમરા માં જ આપ ને દફનવવામાં આવ્યા. આપ સ.અ.વ. આ દુનીયા થી જતા રહ્યા પરંતુ તેમનો દિન તો કયામત સુધી બાકી રહેશે.  

 

ખીલાફતે રાશીદહ

આપ ના ઇનતિકાલ બાદ હઝરતે અબુ બકર રઝી. ને ખલીફા બનાવ વામાં આવ્યા ત્યાર બાદ ઉમર બીન ખત્તાબ, ત્યાર બાદ ઉષ્માન રઝી. અને ત્યાર બાદ અલી રઝી. ખલીફા બન્યા. આમને ખુલફાએ રાશેદીન અને આમને જ ખુલફાએ રાશેદીન મહદીયીન કહેવામા આવે છે.

 

આપ સ.અ.વ. ના અખ્લાક

અલ્લાહે આપ સ.અ.વ. પર ઘણી નેઅમતો સાથે એહસાન કરેલો. એમાં થી આપ સ.અ.વ. ના ઉચ્ચ અખ્લાક . અલ્લાહ ફરમાવે છે. “ શુ તેણે તમને અનાથ ન જોયા, અને પછી ઠેકાણું ઉપ્લબ્ધ કરાવ્યુ. અને તમને રસ્તા થી અજાણ જોયા અને પછી માર્ગદર્શન પ્રદાન કર્યુ. અને તમને નિર્ધન જોયા અને પછી ધનવાન બનાવી દીધા. તેથી તમે અનાથ સાથે કઠોર વ્યવહાર ન કરો.અને પોતાના રબ ની ક્રુપાને પ્રગટ કરો. ( ઝુહા : 6- 11 )    આપ સ.અ.વ. માં એવા અખ્લાક ના ઉચાં મુકામ પર હતા કે આ મુકામ પર બીજુ કોઇ જ ન હતુ. અલ્લાહ ફરમાવે છે કે “ અને બે શક હે નબી તમે અખ્લાક ના ઉચ્ચ દરજ્જા પર છો. અને આ જ અખ્લાક થી અલ્લાહ ના ફઝલ અને રહમત થી લોકો ના દીલ જીતયા અને લોકો ના દીલો માં જગહ બનાવી. અલ્લાહ ફરમાવે છે. “ અય નબી ! આ અલ્લાહ ની મોટી ક્રુપાછે કે તમે વિનમ્ર સવાભાવના છો. નહીં તો જો તમે કઠોર સ્વભાવ નાં કે પાષાણ રદયી હોત તો આ સૌ તમારી પાસે થી વિખરઇ જતા. તેમની ભુલો માફ કરી દો અને તેમના માટે મગફિરત ની દુઆ કરો. અને દીન ના કાર્યમાં તેમને પ્ણ વિચાર – વિમર્શ માં શામેલ રાખો.પછી જ્યારે કોઇ અભિપ્રાય ઉપર તમે ર્દ્ઢ નિક્ષ્ચય કરી લો તો અલ્લાહ ઉપર ભરોસો કરો. અલ્લાહ ને તે લોકો પસંદ છે જે લોકો તેબા જ ભરોસે કામ કરે છે. ( આલે ઇમરાન : 159)

 

મોહમ્મદ સ.અ.વ. દરેક ઇન સાનો માટે પયગમબર બનાવીને મોકલવામાં આવ્યા છે

અલ્લાહે નબી ને દરેક લોક્પ માટે નબી બનાવી ને મોકલ્યા અને કુર આન નાઝીલ કરી અલ્લાહ ની તરફ લોકોને દઅવત આપ્વાનો આદેશ અપ્વામાં આવ્યો. અલ્લાહ ફરમાવે છે ‘ હે પયગંબર ! અમે તમને મોકલ્યા છે સાક્ષી બનાવીને, ખુશખબર આપ્નાર બનાવીને , અને ડરાવનાર બનાવીને, અલ્લાહ ની અનુમતિ થી તેના તરફ આમત્રંણ આપનાર બનાવી ને, અને પ્રકાશીત દિપ બનાવી ને. ( અહઝાબ : 45-46 )

 

આપ સ.અ.વ્. ની ખાસીયતો.

અલ્લાહે નબી સ.અ.વ. ને બીજા રસુલો પર 6 ફઝલ થી આપ ને નવાઝવા માં આવ્યા. આપ સ.અ.વ. ફરમાવે છે કે “ મને બીજા નબીયો પર 6 વસ્તુઓ ની બુનયાદ પર ફઝીલત આપવામાં આવી. મને કુર આન આપવામાં આવ્યુ , મારો ડર અને ખૌફ દુશમન ના દિલ માં નાખ્વામાં આવ્યો. મારા માટે ગનીમત હલાલ કરવામાં આવી, અને મારા માટે ઝમીન પાક અને મસ્જિદ બનાવી દીવામાં આવી, હુ દરેક માટે રસુલ બનાવીને મોકલ્વામાં આવ્યો છુ અને  મારી સાથે નુબુવ્વત ના સીલસીલા ને પણ ખત્મ કરી દીવામાં આવ્યો. ( મુસ્લિમ : 523)

 

એટ્લા માટે લોકો પર ઝરૂરી છે કે નબી પર ઇમાન લાવે. તેમની પેરવી કરે અને તેમને ઇતાઅત કરી જન્નત માં દાખલ થઇ જાય. અલ્લાહ ફરમાવે છે. “ જે લોકો અલ્લાહ અને તેના રસુલ ની ઇતાઅત કરશે તો એવી જેન્નતો માં દાખલ કરવામાં આવશે જેની નીચે થી નહેરો વહે છે. જેમાં તે લોકો હમેંશા માટે રહેશે. અને આ જ તો અસલ કામીયાબી છે. ( નીસા : 13)

 

અહલે કીતાબ માટે બમણો ષવાબ

અહલે કીતાબ માં થી જે પણ રસુલ પર ઇમાન લાવશે અલ્લાહે તેમની પ્રક્ષશાં કરી છે અને તેમને ઘણા અજર વ સવાબ નો વાયદો કરવામાં આવે છે. અલ્લાહ ફરમાવે છે. “ જે લોકોને આ પહેલા અમે ગ્રથ આપ્યો હતો તેઓ આ કુર અન પર ઇમાન લાવે છે. અને જ્યારે તેઓને આ સંભળાવ્વામાં આવે છે તો તેઓ કહે છે કે અમે આના પર ઇમાન લાવ્યા. આ હકીકત માં સત્ય છે અમારા રબ તરફ થી અમે તો પહેલા થીજ મુસ્લિમો છે. આ તે લોકો છે જેઓને તેમનુ વળતર બે વાર આપવામાં આવશે. ( અહઝાબ : 52-54 ) અને નબી સ.અ.વ. એ ફરમાવ્યુ “ ત્રણ લોકો માટે બમણો ષવાબ છે એક તે જે અહલે કીતાબ માં થી હોય અને આપ્ણા નબી સ.અ.વ. પર ઇમાન લાવ્યો હોય. બીજુ તે ગુલામ જે પોતાના આકા અને માલીક એઅત્લે કે અલ્લાહ બન્ને નો હક્ક અદા કરતો હોય. ત્રીજુ તે જેની પાસે એક લોંડી હોય તે તેની સાથે રાત ગુઝારે, તેની તરબીયત કરે , તેની શિક્ષણ પર ધ્યાન રાખે અને તેને આઝાદ કરી તેની સાથે લગ્ન કરીલે .(બુખારી : 97 – મુસ્લિમ : 154 )

 

મોહમ્મદ પર ઇમાન ન લાવ્વાનો અંજામ

જે મોહમ્મદ પર ઇમાન ન લાવે તે કાફીર છે. અને કાફીર ની સઝા જહન્નમ છે. અલ્લાહ ફરમાવે છે.” જે અલ્લાહ અને તેના રસુલ પર ઇમાન ન લાવે તો તેવો લોકો માટે પણ અમે ગરમ ગરમ આગ તૈયાર કરી રાખી છે. ( ફતહ 13 ) અલ્લાહ ના રસુલે ફરમાવ્યુ “તેની કસમ્ જેના હાથ માં મારી જાન છે. જે યહુદી અને નસરાની પાસે ઇસ્લામ ની દઅવત પૈશ કરવામાં આવે અને જો તેઓ તેનો ઇન કાર કરે તો આજ લોકો જહન્નમ માં જશે. મુસ્લિમ 154.

 

વધારે જુઓ 

અલ્લાહ , અંબીયા , રસુલ, મોહમ્મદ છેલ્લા પયગંબર , ઇસ્લામ , મોહમ્મદ સ.અ.વ. વિશે દુનીયાના વિદ્ધાનોનું મંત્વ્ય, વગેરે........

3078 Views
આપણને સુધારવા અથવા જાતે સુધારવા
.
Comments
પાનાંની ટોચ